તાલુકાની માહિતી

ગુજરાતી રાજ્યનાં ભાલપંથક તરીકે ઓળખાતો વિસ્તાર એટલે ધંધુકા તાલુકો. જે અનેક ખમીરવંતા વ્યક્તિઓની જન્મભૂમી અને કર્મભુમી છે.


આ બૃહદ્દ ધંધુકા તાલુકો હાલ ધંધુકા,બરવાળા અને રાણપુર એમ ત્રણ તાલુકાઓમાં વિભાજીત થયેલો છે. જેમાં પટેલ અને ક્ષત્રિયોની વસ્તી વધારે છે.આપણા તાલુકાએ ગુજરાત ગૌરવ લઇ શકે તેવા માનવ રત્નોની સામાજિક, ધાર્મિક, શૈક્ષણિક અને રાજકીય ક્ષેત્રે ઉમદા ભેટ આપેલી છે. જેનું આપણે સૌ ગૌરવ લઇ શકીએ છીએ.


ધંધુકા એટલે સંતશિરોમણી, ગુજરાતની પ્રજાને ઉત્તમ ભક્તિ રસપાન કરાવનાર કુરિવાજો સામે લડત આપનાર, “જનકલ્યાણ” નાં આધ્યાસ્થાપક, નિર્મળ હૃદયી સંત “શ્રી પુનિત મહારાજ” ની જન્મભૂમી અને કર્મભુમી. ઈશ્વરની ભક્તિ દીનદુ:ખિયાઓની સેવામાં છે એવો સમાજને સંદેશો આપનાર સંતપુનિત મહારાજના ભક્તીપદો આજે પણ ગુજરાતના ગામડે ગામડે લોકજીભે ગવાય છે.


જૈન ધર્મના ધુરંધર યુગદ્રષ્ટા, “સિદ્ધહેમ” નાં પ્રણેતા શ્રી હેમચંદ્રાચાર્ય મહારાજની જન્મભુમીરૂપે ધંધુકા સદાય જૈન ધર્મના પવિત્ર સ્થાન તરીકે અંકિત થયેલું છે. ધંધુકા તાલુકાનું બરવાળા ગામ એટલે ખમીરવંતા, બહાદુર અને વહીવટદાર એવા વણીકપુત્ર વીર ઘેલશાની કર્મભુમી. વીર ઘેલશા એટલે બહાદુરી અને આદર્શ રાજવીનો ઇતિહાસ ! “સૌરાષ્ટ્રની રસધાર” માં રાષ્ટ્રીય કવિ શ્રી ઝવેરચંદ મેઘાણી એ વીર ઘેલશાની બહાદુરીને સુંદર રીતે આલેખી છે. ધંધુકા તાલુકા નાં સપૂત ડૉ. પોપટલાલ આણંદજીવાળા એ તાલુકાની દિન અને કચડાયેલી પ્રજા ની સેવા કરી, ગાંધીપુત્ર તરીકે સાદું જીવન જીવી રાષ્ટ્રની અમૂલ્ય સેવા કરી છે. ધંધુકાના શ્રી પ્રભુદાસ પટવારીનાં નામથી ભાગ્યેજ કોઈ અજાણ હશે. પૂજ્ય રવિશંકર મહારાજ પ્રેરિત ગુજરાત સેવા સમિતિનું સફળતાપૂર્વક સંચાલન કરી,નશાબંધી અને જનસેવાનું કર્યા કરનાર નીડર, ગાંધીવાદી અને પ્રભુદાસ કાકાને આજે આપણે સૌ યાદ કરીએ છીએ. તેમની સેવાની કદ રૂપે ભારત સરકારે તેમને તામિલનાડુના ગવર્નર તરીકે નિયુક્ત કર્યા હતા. જેમાં યશસ્વી કામગીરી આપી તાલુકાનું ગૌરવ વધાર્યું છે. રાષ્ટ્રીય શાયર કવિ શ્રી ઝવેરચંદ મેઘાણીના “જન્મભૂમી” પત્ર વડે આઝાદી આંદોલનનો પુષ્પ કરનાર, નવું પ્રેરણાબળ આપી તાલુકાની ધરતીને પવિત્રતા બક્ષી છે. જવામર્દ ક્રાંતિવીર યુવક સ્વ. શ્રી ભાઈજીભાઈ તલાટ એ યુવકો માટે પ્રેરણારૂપ વ્યક્તિ હતા. વિદેશી સરકાર સામે આઝાદીનું બહારવટું ખેડનાર,રાષ્ટ્ર માટે જીવન સમર્પિત કરનાર ભારત માતાના આ સપુતનું જન્મસ્થળ એટલે ધંધુકા.


આવા તો અનેક માનવરત્નો ધંધુકા તાલુકે વિવિધ ક્ષેત્રે દેશને ભેટ ધરેલા છે, લોકનાટ્યકાર શ્રી પુષ્કર ચંદરાવકર(મુ.ચંદરવા), જાણીતા કવિ શ્રી માધવ રામાનુજ (મુ. પચ્છમ), નવલકથાકાર શ્રી જોરાવરસિંહ જાદવ (આકરૂ), દિલીપ રાણપુરા (રાણપુર), વાડીલાલ ડગલી (રોજીદ) જેવી ઉચ્ચ પ્રતિભાઓ આ તાલુકાની ધરતીના પુત્રો છે. વાળી, ગુજરાત રાજ્યના ભૂતપૂર્વ મુખ્યમંત્રી શ્રી દિલીપભાઈ પરીખ તથા સુરત નાં ભૂતપૂર્વ મેયર શ્રી ભીખાભાઈ બોધરા અને ગુજરાત વિધાનસભાના ભૂતપૂર્વ અધ્યક્ષ શ્રી નટવરલાલ શાહની ભેટ પણ ધંધુકા તાલુકે જ અપી છે.


આ ખમીરવંત ભૂમિના પરિશ્રમી પુરુષોએ સ્વબળ થી અમદાવાદ, વડોદરા, સુરત, ભાવનગર અને રાજકોટ જેવા શહેરોમાં તથા મુંબઈ જેવા મહાનગરોમાં સામાજિક, રાજકીય તેમજ શૈક્ષણિક ક્ષેત્રે આગવા સ્થાનો પ્રાપ્ત કરેલા છે. પીપરીયાના વતની શ્રી ભીખાભાઈ રામજીભાઈ બોધરા ૨૦૦૦ માં સુરતના ગૌરવવંતા મેયરપદે બિરાજમાન થયેલ હતા. આમ સુરતના પ્રથમ નાગરિકની ભેટ પણ ધંધુકા તાલુકે અપેલ છે. ડૉ ગોરધનભાઈ ગોપાળભાઈ દિયોરા (પીપરીયા) ડેટ્રોઈટ (U.S.A) સૌરાષ્ટ્ર પટેલ સમાજના પ્રમુખ સ્થાન શોભાવી રહ્યા છે. શ્રી મધુભાઈ ભીમજીભાઈ શેટા (ભલગામડા) હાલ વડોદરા ભરતનાટ્યમ સંસ્થા ચલાવે છે. જેઓ “પ્રથમ ગુજરાતી પુરુષનર્તક” છે. તેઓને સંગીત, નૃત્ય એકેડમી એવોર્ડ (ગાંધીનગર) તથા એશીયાર-૮૨ એવોર્ડ (દિલ્હી) તથા અનેક એવોર્ડ મળેલ છે.ભલગામડા ગામના વાતની સ્વ. જીવરાજભાઈ પટેલે ખોડીયાર મંદિર ગામે સુરેન્દ્રબાગમાં વૈજ્ઞાનિક પધ્ધતિથી ખેતી કરી, સૌ પ્રથમ વખત ‘સડા વગરના બાર’ પકાવી, કૃષિ પંડિતનો રાષ્ટ્રીય એવોર્ડ પ્રાપ્ત કર્યો છે. તેમને ત્રણ પુત્રો આંતરરાષ્ટ્રીય વ્યક્તિત્વ ધરાવે છે. સૌથી મોટા પુત્ર ડૉ. સુરેન્દ્રભાઈ પટેલ ઇકોનોમિક્સમાં Ph.D પદવી પ્રાપ્ત કરી યુનોમાં સેક્રેટરીએટ કક્ષાની સેવા આપી ચુક્યા છે. તેમના બીજા પુત્ર સ્વ.ડૉ. વિઠ્ઠલભાઈ પટેલ સિવિલ ઈજનેરીમાં Ph.D પાદવી જર્મનીમાંથી પ્રાપ્ત કરી, ભારતમાં કૃષિ ક્ષેત્રે ઉંચી નામના મેળવી છે. સૌથી નાના પુત્ર ડૉ. વલ્લભભાઈ પટેલ પણ જર્મનીમાં એફ.આર.સિ.એસ. ની પદવી પ્રાપ્ત કરી આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે યુરોલોજીનાં નિષ્ણાંત ગણાય છે.


આ તાલુકાના મહાન માનવરત્નો કદાચ તેની પવિત્ર ભૂમિના બળનું જ પરિણામ હોય શકે. ધંધુકા તાલુકાના (હાલ તાલુકો બરવાળા) માં આવેલ સારંગપુરના શ્રી કષ્ટભંજન હનુમાનજી નું સુપ્રસિદ્ધ યાત્રાધામ જે લાખો લોકોની પીડા હરનાર શ્રદ્ધાકેન્દ્ર છે. શ્રી સ્વામીનારાયણ સંપ્રદાયના શિખરબંધ મંદિરો આ સ્થળ ની શોભામાં વધારો કરી રહ્યા છે. ધંધુકા થી આશરે ૨૨ કી.મી. દુર આવેલું ધોલેરા ગામ જે જુના વખત માં મોટું બંદર હતું, તેમાં શ્રી સ્વામીનારાયણ ભગવાને સ્વહસ્તે બંધાવેલ શિખરબંધ મંદિરોમાંનું એક મંદિર છે. તેમજ બરવાળાથી ૩ કી.મી. દુર કુંડળ મુકામે શ્રી સ્વામીનારાયણ ભગવાને જાતે કુંડલેશ્વર મહાદેવ ની સ્થાપના કરેલી છે. જેની પૂજા કરવાથી રામેશ્વર મહાદેવની પૂજા જેટલું પુણ્ય પ્રાપ્ત થાય છે. ત્યાં હાલમાં ભવ્ય સ્વામીનારાયણ યાત્રાધામનું નિર્માણ થયેલ છે. સને ૧૯૩૦ ની સ્વાતંત્ર માટે લોકજાગૃતિ મંડાણ માં દાંડી પછીનું આગવું સ્થાન ધરાવે છે. તાલુકાનું આકરું ગામ ક્ષત્રિય બ્રહ્મનિષ્ઠ સ્વામી માધવાનંદજી મહારાજ ની સમાધી નું સ્થળ છે. પાંડવકાળનાં પૌરાણિક ઇતિહાસ ની સાક્ષી આપતું ભીમનાથ મહાદેવનું મંદિર શ્રાવણી પૂનમ અને શ્રાવણી અમાસ નાં દિવસે ભરતા ભવ્ય મેળા દ્રારા ભીમ અને અર્જુનનાં સંવાદોની યાદી આપે છે. લીલકા નદીના કાંઠે પૌરાણિક જાળનાં વૃક્ષ સાથે ભીમનાથ મહાદેવનું મંદિર હિન્દુઓ માટે આસ્થાનું પવિત્ર સ્થળ છે. ધંધુકા તાલુકામાં ધાર્મિક સ્થળોનું મહત્વ તો છે જ. ઉપરાંત ભાવનગર-અમદાવાદ હાઈવે ઉપર ધંધુકાથી રાજ્યના અંતરે સરદાર પટેલ હેલ્થ ફાઉન્ડેશનનાં નેજા હેઠળ તથા શ્રી. રામજીભાઈ મોનાભાઇ મોણપરા તથા ડૉ.રમેશભાઈ ત્રિકમભાઈ સુતરીય (આર.એમ.એસ.હોસ્પિટલ) અધતન સુવિધા સાથે ચાલુ વર્ષે કાર્યરત થયેલ છે.


પુષ્ટિ સંપ્રદાય સ્થાપક પૂજ્ય વલ્લભાચાર્ય મહારાજની બેઠક એટલે ધંધુકા થી ૧૦ કી.મી. દૂરનું તગડી ગામ. આ તાલુકાનું ઝાંઝરકા ગામ સંત શ્રી.સવૈયાનાથ ભવ્ય મંદિર માટે જાણીતું છે. ભડીયાદ નાં સૈયદ બુખારીપીરની દરગાહ ભારતભર માં હિંદુ-મુસ્લિમ ભાવિકોનું આસ્થાનું સ્થાન છે તથા હિંદુ-મુસ્લિમ એકતાનું પ્રતિક છે. કોમી એકતા અને માનવતાનો સંદેશો આપતા આવા તો અનેક ધર્મસ્થાનોથી તાલુકો શોભી રહ્યો છે. પાણીની અછતનો વર્ષોથી સામનો કરતો આ તાલુકો પ્રમાણ માં ઓછી ખેતીનીપજો મેળવે છે. પાણી ની અછત દુર કરવા ઘણા ગામો દ્રારા ચેકડેમો બનાવી આ પ્રદેશ ને હરિયાળો બનાવવાના પ્રયત્નો થઇ રહ્યા છે. પરંતુ મોટા ભાગની નીપજો દવાઓ અને વિલાયતી ખાતરોથી મુક્ત હોય છે. તાલુકાનો ભાલપ્રદેશ એટલે સાશીયા ઘઉં અને ચણા ની પેદાશ આપતો સમતલ પ્રદેશ.

ભાલીયા કાઠા ઘઉં ગુજરાતભરમાં પ્રખ્યાત છે. આમ, ધંધુકા એટલે કાઠા ઘઉં જેવો જ કાઠા પરિશ્રમી માનવસમાજની ભૂમિ ! મૂળમાં ખારું પાણી ધરાવતી આ ભૂમિનાં મન સદાય મીઠા છે.


  ADD